શૈક્ષણિક સહાય
📚 શૈક્ષણિક સહાય – શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય
યુવા શક્તિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ માને છે કે શિક્ષણ એ જીવન બદલવાનું સૌથી શક્તિશાળી હથિયાર છે. સમાજમાં એવા ઘણા પરિવારો છે જેમની પરિસ્થિતિ સારી નથી, પરંતુ તેમના બાળકો ખૂબ જ હોશિયાર અને ભણવામાં આગળ હોય છે. આર્થિક મુશ્કેલીઓના કારણે આ બાળકો પોતાનું ભણતર અધૂરું ન રાખે તે માટે યુવા શક્તિ ગ્રુપે વર્ષો પહેલાં એક સેવા કાર્ય શરૂ કર્યું.
સંસ્થા દ્વારા આવા બાળકોને શાળાકીય ફી, શૈક્ષણિક સામગ્રી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. માત્ર પ્રાથમિક કે માધ્યમિક સ્તર સુધી જ નહીં, પરંતુ કોલેજ અને હાયર એજ્યુકેશન સુધી સતત મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
આ શૈક્ષણિક સહાયનો હેતુ એ છે કે, સમાજના દરેક હોશિયાર બાળકને તેની ક્ષમતા અનુસાર ઊંચું શિક્ષણ મેળવવાની તક મળે અને તે આગળ જઈને દેશ માટે કંઈક સારું કરી શકે, પોતાના પરિવારને ગૌરવ અપાવી શકે અને સમાજને પ્રગતિના માર્ગે લઈ જઈ શકે.
યુવા શક્તિ ગ્રુપનું માનવું છે કે એક બાળકને શિક્ષણ આપવું એ માત્ર એક વ્યક્તિનો ભવિષ્ય બદલવું નથી, પરંતુ આખા પરિવારને એક નવી દિશા આપવી છે.
આ સેવા કાર્ય ઘણા વર્ષોથી સતત ચાલુ છે, અને અત્યાર સુધી સૈંકડો બાળકોને શિક્ષણ માટે સહાય મળી છે. તેમના જીવનમાં આવેલો બદલાવ આજ અમારી સંસ્થાની સાચી સફળતા છે.
🙏 “શિક્ષણ દ્વારા સશક્તિકરણ – એ જ ઉજ્જવળ ભારતનો આધાર.” 🙏